
એમ જ, બસ, કોઈપણ ઘડીએ
મને પોતાને ય કહ્યા વિના
મારામાંથી નીકળી જઈશ ખાલી ખોળિયું મૂકીને સડસડાટ ચાલ્યો જઈશ
ધુમ્મસભરી રાત હશે કે સવારના ઝાકળમાં રમતા હશે
હજારો સૂરજ ડાંગરની ક્યારીમાં
બપોરનો તડકો તરસ છીપવવા
ઉતર્યો હશે ચૈત્રી ગરમાળામાં ગુલમ્હોરી રંગોથી છંટાયેલી વૈશાખી સાંજ સીમમાં રમતી હશે
શરદની રાત્રિઓમાં તરુવરો આગિયાઓથી ઝળહળી ઊઠયાં હશે
હા, મને અઢળક ગમતું બધું ય છોડીને
હોવાપણાના હેવા ખીંટીએ ટાંગીને
ચાલ્યો જઈશ મારામાંથી કાયમ માટે
ભૂખ્યા દિવસો ને તરસી રાતો વ્યર્થ વાતો સ્વજનોની આંગળી અને નખનો નાતો પાસે હતાં એમણે જોયા કર્યા આંસુ
ને પ્રિયજનોં સુધી પહોંચાયું નહિ
નહિ સરેલાં ને સાચવી રાખેલાં આંસુ
એ જ મૂડી મૂકીને નીકળી જઈશ
વરસતો વરસાદ હશે કે તડકો હશે પૂર્ણિમા કે પ્રતિપદા અજવાળાની એંધાણીએ ચાલ્યો જઈશ
સાવ એકલો, જેમ આવ્યો હતો એમ
નિભ્રાતીની કેડીએ અદશ્ય…
(દીપોત્સવ વિશેષ અંક તા.૩૧-૧૦-૨૦૨૪)