February 15, 2025
multitech_developers

ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારુ ગામ
પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ
સાચા માણસના મન જેવું આસોનું નીરજ આકાશ
ખેતર ખેતર ચેતન ધબકે સાંભળતા માટીના શ્વાસ
સીમ બની ગૈ સૌનું મ્હેકી ઊઠી જીરાશાળ
ડુંગર પરથી ઉતરે નીચે : પવન ઝુલાવે આંબાડાળ
મકાઈ પાકી : ખળા ભરાયાં : ગામ રમે છે ગરબા-રાસ
સવાર લાવે ઝાકળ મોતી : અંતરમાં પ્રગટે અજવાસ
સુરજ રમતો સાંજ સવારે પડછાયાઓ ભરતા ફાળ
સીમ વગડેથી વળતી વહુઓ પૉરો ખાતી સરવરપાળ
વળાંક લેતી નદી વહે છે : એ જ વળાંકે ન્હાતી નાર
પરણ્યો એનો નીરખે એને : મળતી નજરો ઘી-ની ધાર
મથું ભૂલવા, નથી ભૂલાતું : મને બોલાવે દૈને નામ
ચૉરે બેસી વાતો કરતું : ડાહ્યું-ડમરું પાલ્લા ગામ.
(દીપોત્સવ વિશેષ અંક તા.૩૧-૧૦-૨૦૨૪)